વચનામૃત ગઢડા છેલ્લાનું - ૧૯
સંવત ૧૮૮૪ના શ્રાવણ વદિ ૧૩ તેરશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને કંઠને વિષે મોગરાનાં ને કર્ણિકારનાં પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) જેણે સંસારનો ત્યાગ કર્યો હોય એવા જે હરિભક્ત તેને બે કુલક્ષણ છે તે આ સત્સંગને વિષે શોભવા દેતાં નથી. તેમાં એક તો કામના ને બીજી પોતાના કુટુંબીને વિષે પ્રીતિ, એ બે કુલક્ષણ જેમાં હોય તે તો અમને પશુ જેવો જણાય છે, તેમાં પણ જેને પોતાના સંબંધીમાં વધુ હેત હોય તેનો તો અમારે અતિશે અવગુણ આવે છે, માટે જેણે સંસાર ત્યાગ કર્યો હોય તેને તો લેશમાત્ર પણ પોતાના સંબંધી સાથે હેત ન રાખ્યું જોઈએ, શા માટે જે પંચમહાપાપ છે તે થકી પણ દેહના સંબંધીમાં હેત રાખવું તે વધુ પાપ છે. માટે જે ભગવાનનો ત્યાગી ભક્ત હોય તેને તો આ દેહ થકી ને દેહના સંબંધી થકી પોતાનો ચૈતન્ય જુદો જાણ્યો જોઈએ જે, હું તો આત્મા છું અને મારે કોઈ સાથે લેશમાત્ર સંબંધ નથી, અને દેહના સંબંધી છે તે તો ચોરાશી લાખ જાતની હારે ગણ્યા જોઈએ, અને તે સંબંધીને સત્સંગી જાણીને તેનું માહાત્મ્ય સમજવા જાય તો એક તો સંબંધનું હેત જ હોય, ને વળી તેનું હરિભક્તપણાનું માહાત્મ્ય સમજે, પછી ભગવાન ને ભગવાનના ભક્તથી સંબંધીમાં વધુ હેત બંધાઈ જાય છે. માટે જેમાં સ્વાભાવિક હેત રહ્યું જ છે એવા જે પોતાના સંબંધી તેને હરિજન જાણીને જો તેમાં હેત કરે તો તેનો જન્મ ખરાબ થઈ જાય છે, અને વળી દેહનો સંબંધી ન હોય પણ જે પોતાની સેવા-ચાકરી કરતો હોય તેમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે, માટે જે સમજુ હોય તેને પોતાની ચાકરી કરતો હોય ને તે હરિભક્ત હોય તોપણ તેને વિષે હેત ન રાખવું. જેમ દૂધ ને સાકર હોય તેમાં સર્પે મોઢું નાખ્યું હોય તો તે પણ ઝેર કહેવાય તેમ જેમાં સેવા-ચાકરીરૂપ સ્વાર્થ ભળ્યો હોય ને તે હરિભક્ત હોય તોપણ તેમાં પોતાનું સ્વાર્થ લેઈને હેત ન રાખવું, શા માટે જે, પોતાના જીવને એ થકી બંધન થાય છે અને જેમ ભગવાનનું ચિંતવન થાય તેમ જ જેમાં પોતાનો સ્વાર્થ હોય તેનું પણ ચિંતવન થાવા માંડે એ જ એને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય, જેમ ભરતજીને મૃગલીનું બચ્ચું તે જ અવિદ્યારૂપ થયું એવી રીતે જે જે ભગવાનના ભજનમાં અંતરાય થાતા હોય તેનો ભગવાનના ભક્તને અવિદ્યારૂપ જાણીને અતિશે ત્યાગ કરવો. અને આ પ્રકરણની જે વાર્તા તેને સંતમંડળ તથા સાંખ્યયોગી હરિભક્ત સમસ્ત તેમને નિત્ય પ્રત્યે કહેવી ને સાંભળવી. તેની વિગત જે જેના મંડળમાં જે મોટેરો હોય તેને નિત્ય પ્રત્યે આ વાત કરવી અને બીજાને સાંભળવી અને જે મોટેરો હોય ને જે દિવસ વાત ન કરે તો તેને તે દિવસ ઉપવાસ કરવો. અને જે શ્રોતા હોય ને તે શ્રદ્ધાએ કરીને આ ભગવાનની વાત સાંભળવા ન આવે તો તેને પણ ઉપવાસ કરવો. અને આ વચનને અતિશે દૃઢ કરીને રાખજો. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૯।। (૨૫૩)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે કામનાવાળા તથા કુટુંબીને વિષે હેતવાળા ત્યાગી પશુ જેવા છે. તેમાં પણ કુટુંબીને વિષે હેતવાળાનો અમને અવગુણ આવે છે માટે ત્યાગીને લેશમાત્ર પોતાના સંબંધી સાથે હેત ન રાખવું; અને પોતાની ચાકરી કરતો હોય તેના ઉપર પણ હેત ન રાખવું, આ વાત નિત્ય ન કહે ને ન સાંભળે તેણે ઉપવાસ કરવો. (૧) બાબત છે. ।।૧૯।।